Wednesday, March 29, 2006

Hriday Gita (18), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

પૂર્ણયોગ

નામ

અષ્ટાદશ અધ્યાય


શિષ્યે કહ્યું :

પ્રભુ ઈસુમાં સર્વ સંપૂર્ણતા રહેલી છે.
આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ.

૧.

આપણે પ્રૌઢ પુરુષત્વને એટલે
ખ્રિસ્ત પ્રભુની સંપૂર્ણતાને પગથિયે પહોંચીએ.

૨.

પ્રભુ પોતાના આત્મા વડે અમને આંતરિક પુરુષત્વમાં
સામર્થ્યથી બળવાન કરો,
કે અમે પ્રભુની સર્વ સંપૂર્ણતા પ્રમાંણે સંપૂર્ણ થઈએ.

૩.

પ્રભુ અમને દરેક સારાં કામમાં એવા સંપૂર્ણ કરો કે
અમે તેમની ઇચ્છા પ્રમાણે સઘળું કરીએ, અને
તેમની દષ્ટિમાં જે સંતોષકારક છે તે કરીએ.

૪.

પ્રભુ પોતાના સામર્થ્યથી પરોપકાર કરવાની આપણી ઇચ્છાને
તથા આપણાં શ્રદ્ધાનાં કરમને સંપૂર્ણ કરો.

૫.

હજી સુધી હું બધું સંપાદન કરી ચૂકયો
કે સંપૂર્ણ થયો છું એમ નહિ,

૬.

પણ પછવાડે તેને વિસરીને
અને જે આગળ તેની તરફ ધાઈને
સ્વર્ગીય આમંત્રણના ઇનામને સારુ
નિશાનની ભણી આગળ ધસું છું.

૭.

પ્રભુએ આપણને જીવન તથા ભક્તિભાવને લગતાં
સઘળાં વાનાં આપ્યાં છે,

૮.

એ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને
પોતાના વિશ્વાસની સાથે ચારિત્ર,

૯.

ચારિત્રની સાથે જ્ઞાન અને જ્ઞાનની સાથે સંયમ,

૧૦.

સંયમની સાથે ધીરજ અને ધીરજની સાથે ભક્તિભાવ,

૧૧.

ભક્તિભાવની સાથે બંધુભાવ અને
બંધુભાવની સાથે પ્રેમ જોડી દઈએ.

૧૨.

જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર,
જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ,
જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે ;

૧૩.

જો કોઈ સદગુણ અને જો કોઈ પ્રશંસા હોય,
તો આ બાબતોનો વિચાર કરીએ.

૧૪.

પ્રભુના પસંદ કરેલાને ઘટે તેમ
હૃદયની કોમળતા, મમતા, નમ્રતા,
વિનય તથા સહનશીલતા ધારણ કરીએ.

૧૫.

પ્રભુએ દરેક આધ્યાત્મિક આશીર્વાદથી
આપણને આશીર્વાદિત કર્યા છે.

૧૬.

ઉપરની વાતો શોધીએ.
ઉપરની વાતો પર ચિત્ત લગાડીએ.

૧૭.

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર
પ્રભુની ઇચ્છા પૂરી થઓ.

૧૮.

મારી ઇચ્છા પ્રમાણે નહિ પણ
પ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ.

૧૯.

પ્રભુએ કહ્યું :

પ્રભુની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને
તથા સંપૂર્ણ થઈને તમે દઢ રહો.

૨૦.

ઈશ્વરપ્રેરિત શાસ્ત્ર શિક્ષણ અર્થે ઉપયોગી છે જેથી
ઈશ્વરભક્ત સંપૂર્ણ તથા સર્વ સત્કર્મ સારુ તૈયાર થાય.

૨૧.

જે સેવા તમને સોંપવામાં આવી છે
તે સંપૂર્ણ રીતે કરવાને સાવધ રહેવું.

૨૨.

તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને
કશામાં અપૂર્ણ ન રહો,
માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો.

૨૩.

તમે થોડીવાર સહન કરો ત્યાર પછી
હું પોતે તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરીશ.

૨૪.

મારી શાંતિ તમારા હૃદયોમાં રાજ્ય કરે.
મારી શાંતિ તમારા મનનું તથા હૃદયનું રક્ષણ કરશે.

૨૫.

શિષ્યે કહ્યું :

જેવા સ્વર્ગીય પિતા પૂર્ણ છે
તેવા આપણે પૂર્ણ થઈએ.

૨૬.

જેમણે આપણામાં સારાં કામનો આરંભ કર્યો
તે તેને સંપૂર્ણ કરતા જશે.

૨૭.

જ્યારે હું બાળક હતો ત્યારે બાળકની પેઠે બોલતો હતો.
બાળકની પેઠે વિચારતો હતો.
બાળકની પેઠે સમજતો હતો ;

૨૮.

પણ મોટો થયા પછી મેં બાળકની વાતો પૂકી દીધી છે.
જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે.

૨૯.

-

શ્રી હૃદયગીતા નામે આધ્યાત્મ વિદ્યામાં
પૂર્ણયોગ નામે અષ્ટાદશ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

No comments:

Post a Comment