Wednesday, March 29, 2006

Hriday Gita (11), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

કર્મબંધન અને અનુગ્રહ

નામ

એકાદશ અધ્યાય


રસ્તે જતાં, એક જન્મથી આંધળાં માણસને
જોઈને શિષ્યોએ પૂછ્યું:

પ્રભુ, જે પાપને લીધે આ માણસ આંધળો જન્મ્યો
તે પાપ કોણે કર્યું ?
એણે પોતે અથવા એનાં માબાપે ?

૧.

પ્રભુ ઈસુ બોલ્યા :

એણે અથવા એના માબાપે પાપ કર્યું તેથી નહિ ;
પણ પરમેશ્વરનું કામ ( ચમત્કૃતિ ) એનામાં પ્રગટ થાય
તે માટે એમ થયું.

૨.

હું જગતમાં છું ત્યારે હું જગતનો પ્રકાશ છું.

૩.

એમ બોલીને પ્રભુ ઈસુએ કાદવ બનાવીને
આંધળાની આંખ પર ચોપડ્યો અને તે દેખતો થયો.

૪.

પ્રભુ બોલ્યા :

જે અઢાર માણસો પર બુરજ પડ્યો અને તેમને મારી નાખ્યા
તેઓ શહેરના બીજા સર્વે રહેવાસીઓ કરતાં વિશેષ ગુનેગાર હતા
એમ તમે ધારો છો શું ?
હું તમને કહું છું, કે ના.

૫.

સઘળાંએ પાપ કર્યું છે
અને ઈશ્વર આગળ સઘળાં અધૂરાં રહે છે.

૬.

મારામાં પાપ નથી એમ જો કોઈ કહે
તો તે પોતાને ઠગે છે અને તેનામાં સત્ય નથી.

૭.

આ સાંભળી એક શિષ્યે કહ્યું :

ભૂંડા કામ કરનારની વિરુદ્ધ ઈશ્વરનો ન્યાય સત્યાનુસાર છે.

૮.

જે પાપ કરે છે તે નિયમનું ઉલ્લંઘન કરનાર તરીકે
નિયમથી અપરાધી ઠરે છે.

૯.

નિયમદ્વારા પાપ વિશે જ્ઞાન થાય છે,
નિયમ વડે પાપ વિશેષ પાપિષ્ઠ દેખાય છે.

૧૦.

નિયમના સાંભળનારા ઈશ્વરની નજરમાં ન્યાયી નથી,
પણ નિયમ પાળનારા ન્યાયી ઠરે છે.

૧૧.

નિયમશાસ્ત્રમાં જે બધી આજ્ઞાઓ છે
તે બધી પાળવામાં જે કોઈ ટકી રહેતો નથી તે શાપિત છે.

૧૨.

તો નિયમથી ઈશ્વર આગળ કોઈ માણસ ન્યાયી ઠરતું નથી
એ સ્પષ્ટ છે.

૧૩.

આથી દરેક મોં બંધ થાય છે
અને આખું જગત ઈશ્વરની આગળ જવાબદાર ઠરે છે.

૧૪.

આજ્ઞા પવિત્ર, ન્યાયી તથા હિતકારક છે ;
નિયમ આધ્યાત્મિક છે ;
પણ હું દૈહિક છું અને પાપને વેચાયેલો છું ;

૧૫.

સારું કરવા હું ઇચ્છું છું ત્યારે ભૂંડું હાજર હોય છે.
મારામાં જે પાપ વસે છે તે તે કરે છે.

૧૬.

પ્રભુએ કહ્યું :

નિયમની પાછળ લાગુ રહ્યા છતાં
મનુષ્યો નિયમને પહોંચી શક્યા નહિ.

૧૭.

પોતાની પુણ્યશીલતાને સ્થાપન કરવાનો પ્રયત્ન કરીને
માણસો ઈશ્વરની પુણ્યશીલતાને આધીન થયા નહિ.

૧૮.

તેઓ શ્રદ્ધાથી નહિ પણ જાણે કે
કરણીઓથી તે પ્રાપ્ત કરવાનું શોધતા હતા.

૧૯.

ભક્તે કહ્યું :

વિધિનિષેધ અનુસારનાં કર્મોથી
કોઈ માણસ નિરપરાધી ઠરતો નથી.

૨૦.

જો કોઈ કરણીઓથી ન્યાયી ઠર્યો હોય
તો તેને વડાઈ કરવાનું કારણ છે.

૨૧.

કેમકે કામ કરનારને જે વેતન મળે છે
તે કૃપાંરૂપે ગણાતું નથી પણ હકરૂપે ગણાય છે.

૨૨.

પણ મોક્ષ કરણીઓ વડે નથી
રખે કોઈ અભિમાન કરે.

૨૩.

ત્યારે પ્રભુએ એ જાહેર કર્યું :

મારી જે કૃપા સઘળાં માણસોની મુક્તિ કરે છે
તે પ્રગટ થઈ છે.

૨૪.

આ સાંભળી ભક્તે કહ્યું :

આપણા ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયા
તથા મનુષ્યો પ્રત્યેનો તેમનો પ્રેમ પ્રગટ થયાં
ત્યારે આપણે પોતે કરેલાં ધાર્મિક્તાનાં કર્મોથી નહિ
પણ તેમની દયા વડે આપણો ઉદ્ધાર કર્યો.

૨૫.

જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ( ધાર્મિક ) ઠરીને
અનં તજીવનના વારસ થયા.

૨૬.

જેઓ નિયમ પાલનથી ન્યાયી ઠરવા ચાહે છે
તેઓ કૃપાથી વિમુખ થયા છે.

૨૭.

અમે પોતે કરેલાં કર્મ પર નહિ પણ
અનુગ્રહ કરનાર પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખીએ છીએ.

૨૮.

મોક્ષ આપણા પોતાથી નથી પણ પરમેશ્વરનું દાન છે,
જેથી કોઈ મનુષ્ય પરમેશ્વરની આગળ અભિમાન કરે નહિ.

૨૯.

તો વડાઈ કરવાનું ક્યાં રહ્યું ? તેનું સ્થાન નથી.
કેમકે ઈશ્વરાનુગ્રહથી શ્રદ્ધાદ્વારા ઉદ્ધાર થાય છે.

૩૦.

જો અનુગ્રહથી થયું, તો તે કરણીઓથી થયું નથી.
નહિ તો અનુગ્રહ તે અનુગ્રહ કહેવાય જ નહિ.

૩૧.

જે માણસને પરમેશ્વર કરણીઓ વગર ન્યાયી ગણે છે
અને જેને લેખે પ્રભુ પાપ નહિ ગણે તેને ધન્ય છે.

૩૨.

ફરી પ્રભુએ કહ્યું :

તમારે વાસ્તે મારો અનુગ્રહ બસ છે.

૩૩.

ભક્ત બોલ્યા :

બહુ સાવધ રહીએ
રખે કોઈ ઈશ્વરકૃપા પામ્યા વગર રહી જાય.

૩૪.

હું પરમેશ્વરના અનુગ્રહને નિષ્ફળ કરવા ઇચ્છતો નથી.

૩૫.

આપણી કરણીઓ પ્રમાણે નહિ પણ
પોતાની જ કૃપા પ્રમાણે પ્રભુએ આપણને તાર્યા.

૩૬.

તે વરદાન કૃપાદ્વારા થાય માટે
તે વરદાન વિશ્વાસથી પ્રાપ્ત થાય છે.

૩૭.

એ કૃપામાં આપણે વિશ્વાસથી પ્રવેશ પામીએ છીએ.
આત્માની મુક્તિ એ વિશ્વાસનું ફળ છે.

૩૮.

પ્રભુ ઈસુ અનુગ્રહથી ભરપૂર છે
અને આપણ સર્વે તેમની ભરપૂરીમાંથી
અનુગ્રહ પર અનુગ્રહ પામ્યા છીએ.

૩૯.

-

શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાં
કર્મબંધન અને અનુગ્રહ નામનો એકાદશ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

No comments:

Post a Comment