Wednesday, March 29, 2006

Hriday Gita (15), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

યજ્ઞ, તપ, દાન

નામ

પંચદશ અધ્યાય


પ્રભુએ કહ્યું :

જેઓ આધ્યાત્મિક છે
તેઓ આધ્યાત્મિક બાબતો પર મન લગાડે છે.

૧.

જે આધ્યાત્મિક યજ્ઞો ઈશ્વરને પસંદ છે
તે કરવાને માટે તમે પવિત્ર યાજકો થયા છો.

૨.

પવિત્રાત્માથી પાવન થઈને
તમે માન્ય અર્પણ થાઓ.

૩.

તમારા શરીરોનું જીવંત, પવિત્ર
તથા પ્રભુને પસંદ પડે એવું અર્પણ કરો.

૪.

પ્રભુને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે
તેમનાં નામને સત્કારનાર હોઠોનાં ફળનું અર્પણ નિત્ય
કરીએ.

૫.

ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું ભૂલીએ નહિ
કેમકે એવા યજ્ઞથી પ્રભુ બહુ સંતુષ્ટ થાય છે.

૬.

દાન તો સુગંધિત ધૂપ અને માન્ય અર્પણ છે,
જે પ્રભુને પ્રિય છે.

૭.

પ્રભુ ઈસુ બોલ્યા :

માણસો જુએ એવા હેતુથી તેઓની આગળ
ધર્મકૃત્યો કરવાથી સાવધ રહો.

૮.

જ્યારે તું ઉપવાસ કરે ત્યારે માણસોને નહિ પણ
ગુપ્તમાં ઈશ્વરને ઉપવાસી દેખા.

૯.

જ્યારે તું દાન કરે ત્યારે
તારો જમણો હાથ જે કરે તે ડાબો હાથ ન જાણે.
તારાં દાનધર્મ ગુપ્તમાં થાય.

૧૦.

જ્યારે તું જમણ આપે ત્યારે દરિદ્રીઓને, અપંગોને,
લંગડાઓને તથા આંધળાઓને બોલાવ,
કેમકે તને બદલો આપવા તેઓની પાસે કંઈ નથી.

૧૧.

પ્રભુ ઈસુએ શ્રીમંતોને ધર્મભંડારમાં દાન નાખતાં જોયા,
અને એક ગરીબ વિધવાને તેમાં બે પાઈ નાખતાં જોઈ.

૧૨.

ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું :

આ ગરીબ વિધવાએ
એ સઘળા કરતાં વધારે દાન કર્યું છે.

૧૩.

કારણ કે સૌએ પોતપોતાની પૂંજીના નધારામાંથી
કંઈક દાન આપ્યું ;
પણ આ ગરીબ વિધવાએ પોતાની તંગીમાંથી
પોતાની જે ઉપજીવિકા હતી તે બધી આપી દીધી.

૧૪.

તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો.
સ્વર્ગમાં અખૂટ દ્રવ્ય પોતાને સારુ મેળવો.

૧૫.

જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત રહેશે.

૧૬.

દાન કરનારે ઉદારતાથી કરવું.
જે ઉદારતાથી વાવે છે તે લણશે પણ ઉદારતાથી

૧૭.

સર્વ પ્રકારના લોભથી દૂર રહો ;
કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં સમાયેલું નથી.

૧૮.

દ્રવ્યનો લોભ સર્વ પ્રકારના પાપનું મૂળ છે ;
હે ઈશ્વરભક્ત, તું તેનાથી નાસી જા.

૧૯.

ભક્તે કહ્યું :

આપણે દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ
ઉપભોગને સારુ ઉદારતાથી સર્વ આપનાર
પ્રભુ પર આશા રાખીએ.

૨૦.

ભલું કરીએ, ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવીએ,
ઉદાર તથા પરોપકારી થઈએ.

૨૧.

જરૂરના ખર્ચને સારુ સારા ધંધારોજગાર કરવાનું શીખીએ.
ઉદ્યોગ કરીને નબળાઓને સહાય કરવી જોઈએ.

૨૨.

પ્રભુએ કહ્યું :

મોટી મોટી બાબતો પર મન ન લગાડો
પણ નમ્ર ભાવે દીનોની કાળજી રખો.

૨૩.

લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.
દરિદ્રીઓને સંભારજો.

૨૪.

તમે પોતા વિશે સાવધાન રહો,
રખેને અતિશય ખાનપાનથી તથા સાંસારિક ચિંતાથી
તમારાં મન જડ થઈ જાય.

૨૫.

દરેક પોતાની સંભાળ રાખે
રખેને પ્રલોભનમાં પડે.

૨૬.

ભક્તે કહ્યું :

અમે દરેક વિચારને વશ કરીને
પ્રભુને આધીન કરીએ છીએ.

૨૭.

પ્રભુ ઈસુએ કહ્યું :

જો તારો જમણો હાથ તને પ્રલોભનમાં પાડે તો
તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે.

૨૮.

જો તારી જમણી આંખ તને પ્રલોભનમાં પાડે તો
તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે.

૨૯.

તારી આંખ નિર્મળ હોય તો તારું શરીર પણ
પ્રકાશે ભરેલું હોય છે.
તારામાં જે પ્રકાશ છે તે અંધકારરૂપ ન હોય માટે
સાવધાન રહે.

૩૦.

તમે કેવી રીતે સાંભળો છો તે વિશે સાવધ રહો.

૩૧.

પોતાની જીભને વશ કરો.
તમારું બોલવું હા તે સાફ હા
અને ના તે સાફ ના હોય.

૩૨.

તમારા મુખમાંથી કંઈ પણ મલિન વચન ન નીકળે
પણ જે ઉન્નતિને સારુ આવશ્યક હોય તે જ નીકળે.
તમારું બોલવું હંમેશાં કૃપાયુક્ત સલૂણું હોય.

૩૩.

ભક્તે કહ્યું :

અમે માણસોને પ્રસન્ન કરનારની પેઠે નહિ, પણ
હૃદયના પારખનાર પ્રભુને પ્રસન્ન કરવાને બોલીએ છીએ.

૩૪.

પ્રભુ બોલ્યા :

જે કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છે
તે પોતે ન પડે માટે સાવચેત રહે.

૩૫.

તમારા મનની કમર બાંધીને સાવધ રહો,
સંયમી તાઓ.

૩૬.

સાવધાન રહીને પ્રાર્થના કરો, કે તમે પ્રલોભનમાં ન પડો.
આત્મા તત્પર છે ખરો પણ શરીર અબળ છે.

૩૭.

જે દાસોને ધણી આવીને જાગૃત જોશે
તેઓને ધન્ય છે.

૩૮.

ભક્તે કહ્યું :

દરેક પહેલવાન સવ પ્રકારે સ્વદમન કરે છે.
હું મારા દેહનું દમન કરું છું
અને તેને વશ રાખું છું.

૩૯.

જો આપણે પોતાની પરીક્ષા કરીએ તો
આપણો ન્યાય કરવામાં નહિ આવે.

૪૦.

-

શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાં
યજ્ઞ, તપ, દાન નામનો પંચદશ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

No comments:

Post a Comment