Sunday, April 02, 2006

Hriday Gita (24), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter ઉપસંહાર

પ્રભુએ કહ્યું :

તમે જે જુઓ છો તે ઘણા જોવા ચાહતા હતા
પણ તેઓ જોવા પામ્યા નહિ ;
અને તમે જે સાંભળો છે તે તેઓ સાંભળવા ચાહતા હતા
પણ તેઓ તે સાંભળવા પામ્યા નહિ.

૧.

જેઓ મારી વાત સાંભળે છે અને પાળે છે તેને ધન્ય છે.

૨.

જો કોઈ પરમેશ્વરની ઇચ્છા પૂરી કરવા ચાહે તો
તે આ બોધ વિશે સમજશે.

૩.

જગતના અંત સુધી
સર્વકાળ હું તમારી સાથે છું.
તમને શાંતિ થાઓ, શાંતિ થાઓ, શાંતિ થાઓ !

૪.

ભક્તે કહ્યું :

જે આ વચન સાંભળે તેણે તેને મનુષ્યના વચન જેવું નહિ પણ
જેમ તે ખરેખર પરમેશ્વરનું વચન છે તેમ તેને
સ્વીકારવું.

૫.

જે પરમેશ્વરનો છે તે પરમેશ્વરેનાં વચન સાંભળે છે.

૬.

આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.
પ્રભુનું વચન જીવંત તથા સદાકાળ ટકનાર છે.
પ્રભુનું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નથી.

૭.

જેણે વિશ્વાસ કર્યો તેને ધન્ય છે, કેમકે
પ્રભુ તરફથી જે વાત કહેવામાં આવી છે તે પૂરી થશે.

૮.

તથાસ્તુ

શ્રી હૃદયગીતા નામે આધ્યાત્મ વિદ્યામાં
પરમગતિ નામનો ત્રયોવિંશ અધ્યાય સમાપ્ત.

-

શ્રી હૃદયગીતા સમાપ્ત


(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter

Hriday Gita (23), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

પરમગતિ

નામ

ત્રયોવિંશ અધ્યાય


પ્રભુ બોલ્યા :

જો કોઈ મારી સેવા કરતો હોય તો તેણે મને
અનુસરવું અને
જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ રહેશે.

૧.

ભક્ત બોલ્યા :

પ્રભુએ સ્વર્ગીય સ્થાનોમાં પોતાની સાથે અમને
બેસાડ્યા અને
સ્વર્ગીયમાં દરેક આધ્યત્મિક આશીર્વાદથી અમને
આશીર્વાદિત કર્યા છે.

૨.

સ્થાયી રહે એવું નગર અહીં આપણને નથી, પણ
જે નગર આપણું થવાનું છે તેની આપણે આકાંક્ષા
રાખીએ છીએ.

૩.

પ્રભુએ આપણે સારુ એક શહેર તૈયાર કર્યું છે,
જેનો યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે,
તેની આશા આપણે રાખીએ છીએ.

૪.

આપણે પ્રભુના વચન પ્રમાણે નવા આકાશ અને નવી પૃથ્વી
જેમાં નીતિમયતા વસે છે તેની વાટ જોઈએ છીએ.
આપણી નાગરિક્તા સ્વર્ગમાં છે.

૫.

સૃષ્ટિની ઉત્કંઠા ઈશ્વરપુત્રોના પ્રગટ થવાની
વાટ જોયા કરે છે.

૬.

સૃષ્ટિ પોતે પણ વિનાશના દાસત્વમાંથી મુક્ત થઈને
ઈશ્વરપુત્રોના મહિમાની સહભાગી મુક્તિ પામવાની
આશા રાખે છે.

૭.

પ્રભુ બોલ્યા :

જુઓ, હું સઘળું નવું બનાવું છું.

૮.

શ્રદ્ધાવાને કહ્યું :

પાથિવ સ્વર્ગીય રાજ્યનો વારસો પામી શકતા નથી.
વિનાશીત્વ અવિનાશીત્વનો નારસો પામનાર નથી.

૯.

જેમ આપણે પાર્થિવની પ્રતિમા ધારણ કરી છે
તેમ સ્વર્ગીયની પ્રતિમા પણ ધારણ કરીશું.

૧૦.

હમણાં આપણે ઝાંખું ઝાંખું જોઈએ છીએ પણ ત્યારે
નજરો નજર જોઈશું.

૧૧.

હમણાં હું અપૂર્ણ જાણું છું પણ ત્યારે
જેમ હું પોતે જણાયેલો છું તેમ જાણીશ.

૧૨.

હાલ આપણે ઈશ્વરનાં સંતાન છીએ અને
આપણે કેવા થઈશું તે હજી પ્રગટ થયું નથી.

૧૩.

જ્યારે પ્રભુ પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે થઈશું.
જેવો સ્વર્ગીય તે છે તેવા જે સ્વર્ગીય છે તેઓ પણ છે.

૧૪.

જે રદ થવાનું તે જો ગૌરવાન્વિત છે
તો જે સ્થાયી રહેનારું તે વિશેષ ગૌરવપૂર્ણ છે.

૧૫.

પ્રભુ બોલ્યા :

હું તમને મારી પાસે લઈશ
જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ મારી પાસે રહો.

૧૬.

ત્યારે ભક્ત અને શ્રદ્ધાવાનોએ એક સાથે કહ્યું :
પ્રભુ આપણને પોતાની સમક્ષ પરમાનંદમાં મૂકવાને
સમર્થ છે.

૧૭.

પ્રભુએ આપણને પ્રકાશના સંતોના વારસાના
ભાગીદાર કર્યા છે.

૧૮.

ત્યાં રાત પડશે નહિ,
ત્યાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી ;
કેમકે પરમેશ્વરનો મહિમા તેને પ્રકાશિત કરે છે.

૧૯.

પ્રભુ પોતે આપણા પર પ્રકાશશે
અને આપણે સદા પ્રભુની સાથે રહીશું.

૨૦.

જે વાનાં આંખે જોયાં નથી
કાને સાંભળ્યાં નથી
માનવીઓના મનમાં પેઠાં નથી
તે પ્રભુએ પ્રભુપ્રેમીઓ માટે સિદ્ધ કર્યાં છે.

૨૨.

ત્યારે ન્યાયીઓ પિતાના રાજ્યમાં
સૂર્યની પેઠે પ્રકાશશે.

૨૩.

-



(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

Hriday Gita (22), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

પ્રલય

નામ

દ્વાવિંશ અધ્યાય


પ્રભુએ કહ્યું :

જે ભૂમિ પોતા પર પડતા વરસાદનું વારંવાર શોષણ કરે છે અને
તેના ખેડનારને સારુ ઉપયોગી વનસ્પતિ ઉત્પન્ન કરે છે
તેને ઈશ્વર આશીર્વાદ આપે છે.

૧.

પણ જે ભૂમિમાં કાંટા તથા ઝાંખરા ઊગે છે
તે નાપસંદ થાય છે, તે શાપિત થયેલી છે અને
પરિણામે બાળી નં ખાવાની છે.

૨.

હરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે
અને અગ્નિમાં ફેં કાય છે.

૩.

એક ભક્તે કહ્યું :

કલ્યાણ કરતાં તથા આકાશથી ફળવંત ઋતુઓ આપતાં અને
અન્નથી તથા આનંદથી આપણાં મન તૃપ્ત કરતાં
પ્રભુ પોતાને વિશે સાક્ષી આપ્યા વગર રહ્યા નથી.

૪.

પરમેશ્વરનો ઉપકાર પસ્તાવો કરવા તરફ પ્રેરે છે,
એથી અજ્ઞાન રહીને શું તેમના ઉપકારની,
સહનશીલતાની તથા વિપુલ ધૈર્યની સંપત્તિને
તું તુચ્છ ગણે છે ?

૫.

તે જગતમાં હતા અને જગત તેમનાથી ઉત્પન્ન થયું ;
તોપણ જગતે તેમને ઓળખ્યા નહિ.

૬.

તે પોતાના લોકોની પાસે આવ્યા પણ
પોતાનાંઓએ તેમનો અંગીકાર કર્યો નહિ.

૭.

કઠણ તથા પશ્ચાત્તાપરહિત અંત:કરણ પ્રમાણે તારા
પોતાને સારુ
ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રકટ થવાના દિવસે થનાર મહા
કોપનો સંગ્રહ કરે છે ?

૮.

પ્રભુએ કહ્યું :

દરેકના અંત:કરણમાં નિયમ લખેલો છે અને
તેઓની પ્રેરકબુદ્ધિ એ વિશે સાક્ષી આપે છે.

૯.

શ્રદ્ધાવાને કહ્યું :

પ્રભુ અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને જાહેરમાં લાવશે અને
હૃદયની ધારણાઓ પણ પ્રગટ કરશે.

૧૦.

જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે
તેઓના સર્વ અધર્મીપણા તથા દુષ્ટતા પર
સ્વર્ગથી ઈશ્વરનો કોપ પ્રગટ થપેલો છે

૧૧.

જેઓએ પોતાના મોક્ષને અર્થે
પ્રેમથી સત્યનો અંગીકાર કર્યો નથી ;
જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહિ, પણ
અધર્મમાં આનંદ માન્યો,
તે સર્વને દોષિત ઠરાવવામાં આવશે.

૧૨.

જેઓ પ્રભુને ઓળખતા નથી અને
તેમના શુભ સંદેશાને માનતા નથી
તેઓ પ્રભુની હજૂરમાંથી દૂર રહેવાની શિક્ષા એટલે
અનંતકાળનો નાશ ભોગવશે.

૧૩.

મહાન ઉદ્ધાર વિશે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું ?
જીવંત પરમેશ્વરના હાથમાં પડવું ભયંકર છે.

૧૪.

કેમકે સત્યનું જ્ઞાન થયા પછી જો
આપણે જાણીજોઈને પાપ કરીએ તો પછી
ઇન્સાફની ભયંકર અપેક્ષા તથા
ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ રહેલાં છે.

૧૫.

જ્યારે તેઓ કહેશે કે શાંતિ તથા સલામતી ત્યારે
પ્રસૂતાની પીડાની પેઠે તેઓનો અકસ્માત નાશ થશે.

૧૬.

પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી.
પરંતુ કોઈનો નાશ ન થાય પણ સઘળા પશ્ચાત્તાપ કરે
એવું ઇચ્છીને પ્રભુ આપણા વિષે ધીરજ રાખે છે.

૧૭.

નાશને યોગ્ય થયેલા કોપના પાત્રનું
પ્રભુએ ઘણી સહનશીલતાથી સહન કર્યું.
પ્રભનું ધૈર્ય એ ઉદ્ધાર છે એમ માનીએ.

૧૮.

હમણાનાં આકાશ તથા પૃથ્વી અધર્મી માણસોના
નાશના દિવસ સુધી આળવાને સારુ તૈયાર રાખેલાં છે.

૧૯.

તે વખતે આકાશો મોટી ગર્જનાસહિત જતા રહેશે અને
તત્ત્વો અગ્નિથી પીગળી જશે અને
પૃથ્વી તથા તે પરની કૃતિઓ બાળી નંખાશે.

૨૦.

આ સર્વ લય પામનાર છે,
માટે પવિત્ર આચરણમાં તથા ભક્તિભાવમાં આપણે
કેવા થવું જોઈએ ?

૨૧.

પરમેશ્વરની મહેરબાની તેમ જ તેમની સખતાઈ પણ જો
ગર્વિષ્ઠ ન થા, પણ બીક રાખ.

૨૨.

પ્રભુએ કહ્યું :

પ્રભુ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે,
પણ નમ્ર જનો પર કૃપા રાખે છે,
માટે તમે મને આધીન થાઓ.

૨૩.

શ્રદ્ધાવાને કહ્યું :

હે સર્વશક્તિમાન પ્રભુ પરમેશ્વર,
તમારાં કામો મહાન તથા અદભુત છે.

૨૪.

હે યુગોના રાજા, તમારા માર્ગ ન્યાયી તથા સત્ય છે.
હે પ્રભુ, તમારાથી કોણ નહિ બીશે ?

૨૫.

પ્રભુએ કહ્યું :

નિયમ આપનાર તથા ન્યાય કરનાર એક જ છે ;
તે તરવાને તથા નાશ કરવાને શક્તિમાન છે.

૨૬.

શ્રદ્ધાવાને કહ્યું :

હે પ્રભુ, આવનાર કોપથી અમને બચાવનાર
તમે જ છો.

૨૭.

પ્રભુ બોલ્યા :

કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છે
તેનાથી હું તને બચાવીશ.

૨૮.

કારણ કે તમને કોપને સારુ નહિ પણ
મારા દ્વારા ઉદ્ધારને સારુ નિર્માણ કર્યા છે.

૨૯.

-

શ્રી હૃદયગીતા નામે આદ્યાત્મ વિદ્યામાં
પ્રલય નામનો દ્વાવિંશ અદ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

Hriday Gita (21), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

દૈવાસુરસંપદ્

નામ

એકવિંશ અધ્યાય


પ્રભુ બોલ્યા :

સંસાર પર અથવા સંસારમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો.
સંસાર પર જો કોઈ પ્રેમ રાખે છે તો
મારા પર તેને પ્રેમ નથી.

૧.

સંસારમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના,
આંખોની લાલસા અને જીવનનો અહંકાર,
તે મારા તરફથી નથી પણ સંસાર તરફથી છે.

૨.

સંસાર તથા તેની લાલસા જતી રહે છે ;
પણ જે મારી ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે.

૩.

એક ભક્તે કહ્યું :

સંસારની મૈત્રી પરમેશ્વર પ્રત્યે વેર છે.
જે કોઈ સંસારનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે
તે પરમેશ્વરનો વેરી થાય છે.

૪.

પ્રભુ ઈસુ બોલ્યા :

સંસાર તમારો દ્વેષ કરે તો તેથી અયરત ન થાઓ.
તમે સંસારના નથી, પણ મેં તમને સંસારમાંથી પસંદ
કર્યા છે,
તે માટે સંસાર તમારા પર દ્વેષ રાખે છે.

૫.

તમે આ જગતમાં છો, પણ આ સંસારનાં નથી.
જગતમાંથી તમને કાઢી લેવામાં આવે એવું હું
ઇચ્છતો નથી;
પણ તમે પાપથી બચો એમ ઇચ્છું છું.

૬.

સંસારમાં તમને સંકટ છે,
પણ હિંમત રાખો, સંસારને મેં જીત્યો છે.

૭.

સંસારમાં જે છે તેના કરતાં
તમારામાં જે છે તે મોટો છે.

૮.

એક શ્રદ્ધાવાન બોલ્યા :

જે કોઈ ઈશ્વરથી જન્મેલું છે તે સંસારને જીતે છે.
જે જયે જગતને જીત્યું છે તે આપણો નિશ્વાસ છે.

૯.

મારા સંબંધે સંસાર શૂળીએ ( વધસ્તંભે ) ચડાવેલો છે
અને સંસાર સંબંધે હું.

૧૦.

પ્રભુ બોલ્યા :

દૈહિક વિષયો આત્માની સામે લડે છે,
તેઓથી તમે પરદેશી તા પ્રવાસી જેવા દૂર રહો.

૧૧.

દેહની દુર્વાસનાને અર્થે ચિંતન ન કરો.
આત્માવડે દેહવાસનાનાં કર્મોને મારી નાખો.

૧૨.

ભૂંડાથી હારી ન જાઓ
પણ સારાથી ભૂંડાનો પરાજય કરો.

૧૩.

જે ભૂંડું છે તેને ધિક્કારો ;
જે સારું છે તેને વળગી રહો.

૧૪.

દુષ્ટાત્માનાં કામનો નાશ કરવાને
હું પ્રગટ થયો છું.

૧૫.

જે ઈશ્વરથી જનમ્યો છે તેને દુષ્ટ સ્પર્શ કરતો નથી.
તમે બળવાન છો અને તમે દુષ્ટને જીત્યો છે.

૧૬.

શ્રદ્ધાવાને કહ્યું :

પ્રભુ વિશ્વસનીય છે, અને અમને દઢ કરશે
અને દુષ્ટથી અમારું રક્ષણ કરશે.

૧૭.

પ્રભુ ભક્તોને પ્રલોભનમાંથી છોડાવવાનું જાણે છે.

૧૮.

પ્રભુ સર્વ દુષ્ટ હુમલાથી અમારો બચાવ કરશે,
અને પોતાના સ્વર્ગીય રાજ્યને સારુ
અમને સહીસલામત રાખશે.

૧૯.

પ્રભુએ કહ્યું :

તમારું યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ
અધિપતિઓની સામે, અધિકારીઓની સામે,
આ અંધકારરૂપી સંસારના સત્તાધારીઓની સામે,
દુષ્ટતાના આધ્યાત્મિક લશ્કરોની સામે છે.

૨૦.

તેથી તમે સ વી હથિયારો સજી લો કે
જે સર્વ શક્ય તે કરીને તેઓની સામે ટકી શકો.

૨૧.

સત્યથી કમર બાંધો,
નીતિપરાયણતાનું બખ્તર પહેરો,
શ્રદ્ધાની ઢાલ ગ્રહો,
અને ઈશ્વરી વચનની આધ્યાત્મિક તરવાર લો.

૨૨.

જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર
મારી સાથે બેસાડીશ.

૨૩.

ભક્તે કહ્યું :

પરમેશ્વર તેજરૂપ છે અને તેમનામાં કંઈ તમસ્ નથી.
તે તેજ જગતમાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે.

૨૪.

જે ભૂંડું કરે છે તે તેજનો દ્વેષ કરે છે અને
તે તેજ પાસે આવતો નથી, પણ
જે સત્ય કરે છે તેજ પાસે આવે છે.

૨૫.

પ્રભુએ કહ્યું :

જ્યાં સુધી તેજ તમારી પાસે છે ત્યાં સુધી ચાલો,
રખેને તમારા પર તમસ્ આવી પડે.

૨૬.

તેજસ્ની તમસ્ જોડે શી સંગત હોય ?
સર્વ નિંદાપાત્ર તે તેજ વડે પ્રગટ થાય છે.

૨૭.

તમસ્ના નિષ્ફળ કામોના સંગતી ન થાઓ
પણ તેઓને વખોડો.
તેજનું ફળ સર્વ પ્રકારની ભલાઈ, ન્યાયપરાયણતા તથા
સત્ય છે.

૨૮.

તમે જગતની જ્યોતિ છો.
તમે તમારું તેજ લોકો આગળ એવું પ્રકાશવા દો કે
તેઓ તમારાં રૂડાં કામ જોઇને મારી સ્તુતિ કરે

૨૯.

ભક્તે કહ્યું :

જે પ્રભુએ તમસ માંથી આપણને
પોતાના આશ્ચર્યકારક તેજમાં આમંત્ર્યા છે
તે પ્રભુના સદગુણો આપણે પ્રગટ કરીએ.

૩૦.

પ્રભુએ કહ્યું :

મેં મૃત્યુને નિર્મૂળ કર્યું છે
અને જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે.

૩૧.

શ્રદ્ધાવાને કહ્યું :

જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મૃત્યુ છે ;
મૃત્યુનો ડંખ પાપ છે ;
પણ આપણા પ્રભુદ્વારા આપણને વિજય મળે છે.

૩૨.

અરે મૃત્યુ, તારો ડંખ ક્યાં ?
અરે મરણ, તારો વિજય ક્યાં ?

૩૩.

-

શ્રી હૃદયગીતા નામે, અધ્યાત્મ વિદ્યામાં
દૈવાસુરસંપદ્ નામનો એકવિંશ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

Hriday Gita (20), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

બૃહદ્-રૂપ

નામ

વિંશ અધ્યાય


પ્રભુ ઈસુ બોલ્યા :

જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકત્ર થાય છે
ત્યાં તેઓની વચમાં હું હાજર છું.

૧.

હું દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો.

૨.

ભક્તે કહ્યું :

જેમ શરીર એક છે અને તેના અવયવો ઘણાં છે
અને શરીરના અવયવો ઘણાં હોવા છતાં સર્વ મળીને
એક શરીર બને છે
તેમ ખ્રિસ્ત પ્રભુ પણ છે.

૩.

આપણે પ્રભુનું શરીર અને
તેમના જુદા જુદા અવયવો છીએ.
જેમ આપણા શરીરમાં ઘણા અવયવો છે
અને સઘળા અવયવોને એક જ કામ કરવાનું નથી

૪.

તેમ આપણે ઘણાં હોવા છતાં પ્રભુમાં એક શરીર છીએ ;
અને પરસ્પર એક બીજાના અવયવો છીએ.

૫.

આર્ય કે અનાર્ય, દાસ કે સ્વતંત્ર
આપણે સર્વે એક આત્માથી સંસ્કાર પામીને
એક શરીરરૂપ બન્યા છીએ.

૬.

જે વેગળાં હતા તથા જેઓ પાસે હતા
તે બધાંને પ્રભુએ એક કર્યા અને
સલાહ કરીને પોતામાં બેનું એક નવું માનવી સર્જ્યું.

૭.

હવે આર્ય કે અનાર્ય કોઈ નથી,
સુનતી કે બેસુનતી કોઈ નથી,
દાસ કે સ્વતંત્ર કોઈ નથી,
પુરુષ કે સ્ત્રી કોઈ નથી,
કેમકે આપણ સર્વ ખ્રિસ્ત પ્રભુમાં એક છીએ.

૮.

પ્રભુ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.
તે આપણું જીવન છે.

૯.

જો કોઈ માણસ પ્રભુમાં છે
તો તે નવી ઉત્પત્તિ, નવું સર્જન છે.

૧૦.

પ્રભુએ દરેક અવયવને પોતાની મરજી અનુસાર
શરીરમાં ગોઠવેલા છે.

૧૧.

એનાથી આખું શરીર ગોઠવાઈને
તથા દરેક સાંધા વડે જોડાઈને
દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી
પ્રેમમાં પોતાની ઉન્નતિને સારુ પોતાની વૃદ્ધિ કરે છે.

૧૨.

પ્રભુએ કહ્યું :

હું શરીરનું શિર છું.
શિરથી આખું શરીર પોષણ પામીને તથા જોડાઈને
વૃદ્ધિ પામે છે.

૧૩.

ભક્તે કહ્યું :

પ્રેમથી સત્યને અનુસરીને
ખ્રિસ્ત જે શિર છે તેમાં આપણે સર્વ પ્રકારે વધીએ.

૧૪.

જો સર્વ એક અવયવ હોય તો શરીર ક્યાં હોત ?
અવયવો ઘણાં છે પણ શરીર એક જ છે.
આપણે ઘણાં છતાં એક શરીરરૂપી છીએ.

૧૫.

પભુએ શરીરને એવી વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે કે
શરીરમાં ફાટફૂટ ત પડે;
પરંતુ બધા અવયવો એકબીજાને માટે એકસરખી ચિંતા રાખે.

૧૬.

જો એક અવયવ દુ:ખી થાય તો
તેની સાથે સર્વ અવયવો દુ:ખી થાય છે.

૧૭.

તેમ જ જો એક અવયવને માન મળે તો
તેની સાથે સર્વ અવયવો આનંદ પામે છે.

૧૮.

કૃપાદાનો અનેક પ્રકારના છે, તોપણ આત્મા તો
એકનો એક,
સેવા અનેક પ્રકારની છે, પણ પ્રભુ તો એકના એક,
કાર્યો અનેક પ્રકારના છે, પણ પ્રભુ તો એકના એક,
જે સર્વમાં કર્તાહર્તા છે.

૧૯.

પોતાની ઈચ્છા પ્રમાણે દરેકને જુદાં જુદાં દાન
વહેંચી આપીને
એ સર્વ કરાવનાર એ તે એ જ પવિત્રાત્મા છે.

૨૦.

પવિત્ર આત્માનું પ્રકટીકરણ દરેકને
સામાન્ય હિતને માટે આપવામાં આવ્યું છે.

૨૧.

આપણાં શરીરો પ્રભુના અવયવો છે.
એક શરીર તથા એક આત્મા છે.
એક પ્રભુ જે સર્વ ઉપર તથા સર્વ મધ્યે તથા આપણ
સર્વમાં છે.

૨૨.

પ્રભુ બોલ્યા :

તમે એક થાઓ માટે મેં મારો મહિમા તમને આપ્યો છે.
હું તમારામાં વસુ, જેથી તમે સંપૂર્ણ થઈને એક થાઓ.

૨૩.

ત્યારે એક ભક્ત બોલ્યા :

પ્રભુએ પોતાની ઈચ્છાનો મર્મ આપણને જણાવ્યો છે કે
સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં
સ્વર્ગમાંના તથા પૃથ્વી પરનાં સઘળાં વાનાંનો તે
પોતામાં સમાવેશ કરે.

૨૪.

તેથી પૃથ્વી પરના હોય કે સ્વર્ગમાંના હોય તે
સઘળાનું તે પોતાની સાથે સમાધાન કરાવે છે.

૨૫.

-

શ્રી હૃદયગીતા નામે આધ્યાત્મ વિદ્યામાં
બૃહદ્-રૂપ નામનો વિંશ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next