Wednesday, March 29, 2006

Hriday Gita (17), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

વિશુદ્ધિયોગ

નામ

સપ્તદશ અધ્યાય


પ્રભુએ કહ્યું :

હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાઓ.

૧.

શ્રદ્ધાવાન બોલ્યા :

જેણે આપણને તેડયા છે તે પ્રભુ જેવા પવિત્ર છે
તેવા આપણે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થઈએ.

૨.

આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતા દૂર કરીને
પોતે શુદ્ધ થઈએ,
અને પ્રભુનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ.

૩.

પ્રભુની નજરમાં નિર્દોષ તથા નિષ્કલંક થઈને
શાંતિમાં રહેવાને યત્ન કરીએ.

૪.

પ્રભુ ઈસુએ કહ્યું :

હું દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો ;

શ્રદ્ધાવાને હર્ષથી કહ્યું :

જો જડ પવિત્ર, તો ડાળીઓ પણ પવિત્ર.

૫.

પ્રભુએ કહ્યું :

તમે સત્યને આધીન રહીને તમારાં મન પવિત્ર કર્યાં છે.
વિશ્વાસથી તમારાં મન પવિત્ર કરવામાં આવે છે.

૬.

જો કોઈ નીચ કર્મોથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે
તો તે ઉત્તમ કાર્યોને સારુ પવિત્ર કરેલું,
સ્વામીને ઉપયોગી તથા સર્વ સારાં કામને માટે
તૈયાર કરેલું પાત્ર થશે.

૭.

ત્યારે એક શ્રદ્ધાવાન બોલ્યા :

પ્રભુ આપણને સઘળાં પાપથી શુદ્ધ કરે છે.
જે પ્રભુનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું.

૮.

આપણે સંસારથી પોતાને નિષ્કલંક રાખીએ.
પરમેશ્વર તથા માણસોની પ્રત્યે હમેશાં
નિર્દોષ અંત:કરણ રાખવાને પ્રયત્ન કરીએ.

૯.

જે કોઈ બાબતમાં આપણું અંત કરણ આપણને
દોષિત ઠરાવે છે
તે વિશે પરમેશ્વરની આગળ આપણા અંત:કરણને
શાંત કરીશું.

૧૦.

કારણ કે આપણા અંત:કરણ કરતાં તે મોટા છે
અને તે સઘળું જાણે છે.

૧૧.

પ્રભુ આપણા હિતને સારુ શિક્ષા કરે છે,
કે આપણે તેમની પવિત્રતાના ભાગીદાર થઈ એ.

૧૨.

શાંતિદાતા ઈશ્વર આપણને પૂરા પવિત્ર કરો, અને
આપણો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ નિર્દોષ
રાખવામાં આવો,

૧૩.

અને પ્રભુ આપણને પવિત્ર, નિષ્કંલક તથા નિર્દોષ
પોતાની સમ્મુખ રજૂ કરો.

૧૪.

પ્રભુએ કહ્યું :

કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ
ઈશ્વરના નિષ્કલંક સંતાન
જ્યોતિઓ જેવા જગતમાં દેખાઓ.

૧૫.

એકવાર પવિત્ર થયા પછી ભક્તોનાં અંત:કરણમાં
ફરી પાપની અંતર્વાસના થતી નથી.
શુદ્ધને મન સઘળું શુદ્ધ છે.

૧૬.

પાપથી મુક્ત થએલા અને પ્રભુના દાસ થએલા હોવાથી
તમે પવિત્ર થાઓ છો, અને
પરિણામે તમને અનંત જીવન મળે ને.

૧૭.

-

શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાં
વિશુદ્ધિયોગ નામનો સપ્તદશ અધ્યાય સમાપ્ત.


(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

No comments:

Post a Comment