Wednesday, March 29, 2006

Hriday Gita (12), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

બલિદાનયોગ

નામ

દ્વાદશ અધ્યાય


પ્રભુ ઈસુ બોલ્યા :

માણસોને જીવન મળે અને વિપુલ જીવન મળે
માટે હું આવ્યો છું.

૧.

ભક્ત બોલ્યા :

પ્રભુ ઈસુ, તમે ઈશ્વર છતાં
ઐશ્વર્યને પકડી રાખવાનું તમે ઇચ્છ્યું નહિ,

૨.

પણ દાસનું રૂપ ધારણ કરીને
એટલે માણસના રૂપમાં આવીને
પોતાને ખાલી કર્યા.

૩.

પ્રભુ ઈસુ બોલ્યા :

હું ઉત્તમ ઘેટાંપાળક છું :
ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને સારું પોતાનો પ્રાણ આપે છે.
માણસોને છોડાવી લેવા સારુ મારો પ્રાણ આપવાને
હું આવ્યો છું.

૪.

મારું શરીર માણસોને માટે વધેરાયું છે,
અને મારું રક્ત તેમનાં પાપોની માફીને અર્થે
વહેવડાવવામાં આવે છે.

૫.

ત્યારે ભક્તે પ્રભુનો નિર્દેષ કરીને કહ્યું :

જુઓ ઈશ્વરીય પુરુષ
જે જગતનું પાપ હરણ કરે છે.

૬.

જે નિષ્કલંક તથા નિર્દોષ છે, જે પોતે નિષ્પાપ છે,
તે પાપ હરણ કરવાને પ્રગટ થયા.

૭.

એક માણસથી જગતમાં પાપ પેઠું,
અને પાપથી મરણ પેઠું.

૮.

સઘળાંએ પાપ કર્યું
અને સર્વમાં મરણનો પ્રસાર થયો,
અને સર્વ માણસને દંડાજ્ઞા થઈ.

૯.

આપણે સર્વ ભટકી ગયાં,
દરેક પોતાને માર્ગે વળી ગયો.

૧૦.

અને જેમણે પાપ જાણ્યું ન હતું તે આપણે વાસ્તે પાપરૂપ થયા
એ માટે કે આપણે ઈશ્વરીય પુણ્યશીલતારૂપ થઈ એ.

૧૧.

પ્રભુ ખ્રિસ્તે આપણા પર પ્રીતિ કરી
અને આપણી ખાતર સ્વાર્પણ કરીને
પોતાનું બલિદાન આપ્યું.

૧૨.

સઘળાં માણસોના ઉદ્ધાર સારુ
તેમણે પોતાનું બલિદાન આપ્યું.

૧૩.

આપણ સર્વનાં પાપનો ભાર તેમણે લીધો
અને આપણા પાપનું પ્રાયશ્ચિત્ત થયા.

૧૪.

પ્રભુ પોતે અપરાધીમાં ગણાયા,
તેમણે ઘણાંઓના પાપ પોતે માથે લીધાં
અને અપરાધીઓને સારુ મધ્યસ્થતા કરી.

૧૫.

તેમનાં આજ્ઞાપાલનથી ઘણાં મનુષ્યો ન્યાયી ઠરે છે.
તેમનાં ન્યાયીકૃત્યથી સર્વ માણસોને
જીવનરૂપ ન્યાયીપણું પ્રાપ્ત થયું છે.

૧૬.

આપણાં પાપને લીધે તે વિંધાયા,
આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને તેમણે શિક્ષા વેઠી.

૧૭.

સનાતન આત્માથી તેમણે પોતાના પંડનું
દોષ રહિત બલિદાન આપ્યું.

૧૮.

પોતે પાપી દેહની સમાનતામાં આવીને અને
પાપ અર્થે અર્પણ થઈને
પોતાના દેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી.

૧૯.

પછી ભક્ત પ્રભુને કહેવા લાગ્યો :

હે સ્વામી, એમ કરવામાં તમે અમારા પર
પોતાનો પ્રેમ પ્રકટ કરો છો.

૨૦.

પોતાના બલિદાનથી પાપને દૂર કરવાને તમે પ્રગટ થયા, અને
સઘળા માણસોના ઉદ્ધારને શારુ આત્મસમર્પણ કર્યું.

૨૧.

ધર્મપરાયણ માણસને સારુ ભાગ્યે કોઈ મરે.
સારા માણસને સારુ કોઈક કદાપિ મરવાની હિમ્મત કરે,

૨૨.

પરંતુ અમે નિર્બળ હતા ત્યારે
અમો અધર્મીઓને સારુ તમે મરણ સહ્યું.

૨૩.

વધસ્તંભ પર પોતાના શરીરમાં તમે અમારાં પાપ માથે લીધાં
અને અમારાં પાપોને સારુ તમે બલિદાન આપ્યું.

૨૪.

પછી ભક્તે શ્રદ્ધાવાનોતે કહ્યું :

જેમણે પાપ જાણ્યું નહોતું
તે આપણે વાસ્તે પાપરૂપ થયા.

૨૫.

ન્યાયીએ અન્યાયી જનોને બદલે દુ:ખ સહ્યું

૨૬.

પ્રભુ ઈસુ જે ન્યાયી છે તેમણે
પોતે આપણા પાપને માટે પ્રાયશ્ચિત્ત કર્યું
અને નિયમના શ્રાપથી આપણને છોડાવી લીધા.

૨૭.

તે પોતે પ્રાયશ્ચિત્ત થયા જેથી
પાપની દરગુજર વિષે તે પોતાનું ઇન્સાફીપણું દર્શાવે,
કે પોતે ન્યાયી રહીને વિશ્વાસ કરનારને નિર્દોષ ઠરાવે.

૨૮.

હરેક વિશ્વાસ કરનાર તેમનાદ્વારા
નિરપરાધી ઠરે છે.

૨૯.

પ્રભુ ઈસુ બોલ્યા :

જે મારા પર વિશ્વાસ કરે છે
તે અપરાધી નહિ ઠરશે.

૩૦.

એક શ્રદ્ધાવાને કહ્યું :

પ્રભુ ઈસુના પ્રાયશ્ચિત્તદ્વારા
તેમના અનુગ્રહની સંપત્તિ પ્રમાણે
આપણને અપરાધની ક્ષમા મળે છે.

૩૧.

પ્રભુ ઈસુ જેઓ તમારે શરણે આવે છે
તેમને સંપૂર્ણ ઉદ્ધારવાને તમે સમર્થ છો.

૩૨.

જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ તો
આપણાં પાપ માફ કરવા તથા
આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને
પ્રભુ વિશ્વાસુ તથા ન્યાયી છે.

૩૩.

જો આપણે ખ્રિસ્તને પ્રભુ તરીકે કબૂલ કરીએ અને
આપણા હૃદયમાં તેમના પ્રત્યે શ્રદ્ધા રાખીએ
તો મોક્ષ પામીશું.

૩૪.

તેમણે આપણા પર પ્રેમ કર્યો અને
પોતાનાં બલિદાન વડે તેમણે
આપણને આપણા પાપથી મુક્ત કર્યા.

૩૫.

તેમના બલિદાનદ્વારા આપણને પાપની ક્ષમા મળી છે.
જેઓ ખ્રિસ્ત પ્રભુમાં છે તેમને દંડાજ્ઞા નથી.

૩૬.

હોમયજ્ઞો, અર્પણો
પાપો દૂર કરવાને કદી પણ સમર્થ નથી.

૩૭.

તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થવાથી
આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.

૩૮.

એમણે તો પાપોને માટે એક બલિદાન
સદાકાળને સારુ કર્યું છે.

૩૯.

જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને તેમણે
એક જ અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કર્યા છે.

૪૦.

ભક્તે શ્રદ્ધાળુઓને કહ્યું :

ભાઈ ઓ પ્રભુએ આપણે સારુ પોતાના શરીરમાં થઈ ને
એક નવો તથા જીવંત માર્ગ ઉઘાડયો છે.
તેમાં થઈને પવિત્રસ્થાનમાં પ્રવેશ કરીએ.

૪૧.

તેમણે આપણે અર્થે પોતાનું સ્વાર્પણ કર્યું
જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે

૪૨.

અને આપણને પવિત્ર કરીને
પોતાને સારુ ખાસ પ્રજા, તથા
સર્વ સત્કર્મ કરવાને આતુર, એવા તૈયાર કરે.

૪૩.

તેમણે પોતાને પાછા રાખ્યા નહિ
પણ આપણે સારૂ પોતાને સમર્પી દીધા,

૪૪.

તો આપણને કૃપા કરીને પોતાની સાથે
બધું કેમ મહિ ઓપે ?

૪૫.

બધાએ કહ્યું :

આપણા પરમેશ્વર પિતાને સર્વકાળ મહિમા હો,
તથાસ્તુ, તથાસ્તુ.

૪૬.

-

શ્રી હૃદયગીતા નામે અધ્યાત્મ વિદ્યામાં
બલિદાનયોગ નામનો દ્વાદશ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

No comments:

Post a Comment