Saturday, March 25, 2006

Hriday Gita (6), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

પ્રેમયોગ
નામ
ષષ્ઠ અધ્યાય


પ્રભુ ઈસુ બોલ્યા :

મેં તમારા પર પ્રેમ રાખ્યો છે;
તમે મારા પ્રેમમાં રહો.

૧.

ભક્ત બોલ્યા :

અમારા પ્રત્યે પ્રભુ ઈસુનો જે પ્રેમ છે, તે અમે જાણીએ છીએ,
અને અમે તેમના પ્રેમ પર વિશ્વાસ કર્યો છે.

૨.

અમે પ્રેમ રાખીએ છીએ
કેમકે પ્રભુએ પ્રથમ અમારા પર પ્રેમ રાખ્યો.

૩.

પ્રભુ ઈસુ બોલ્યા :

જો તમે મારા પર પ્રેમ રાખો છો
તો તમે મારી આજ્ઞાઓ પાળશો,
જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો.
મારો પ્રેમ તમારામાં રહે, અને હું તમારામાં રહું.

૪.

જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો
તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો.
જેમ મેં તમારા પર પ્રીતિ રાખી તેમ પ્રેમમાં ચાલો.

૫.

ભક્તે કહ્યું :

પરમેશ્વરે દુનિયા પર પ્રીતિ કરી
અને જગતમાં આવ્યા.

૬.

કેમકે પ્રભુ ઈસુ બ્રિસ્તે પોતાનો પ્રાણ આપણી વતી આપ્યો
અને આપણે પણ ભાઈઓને સારુ
આપણા પ્રાણ આપવા જોઈએ.

૭.

જો પ્રભુએ આપણા પર એવો પ્રેમ રાખ્યો
તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ.

૮.

ખ્રિસ્ત પ્રભુનો પ્રેમ આપણને ફરજ પાડે છે.

૯.

પ્રભુએ કહ્યું :

જે પ્રેમ કરતો નથી તે પરમેશ્વરને ઓળખતો નથી
કેમકે પરમેશ્વર પ્રેમ છે.

૧૦.

જે પરમેશ્વર ઉપર પ્રેમ રાખે છે
તેણે પોતાના ભાઈ ઉપર પ્રેમ રાખવો જોઈએ.

૧૧.

જન્મ આપનાર પર જે પ્રેમ રાખે છે
તે તેનાથી જન્મેલા પર પણ પ્રેમ રાખે છે.

૧૨.

ભક્તે કહ્યું :

આપણામાં વસનાર પ્રભુના આત્માથી
આપણા અંત:કરણમાં પ્રભુનો પ્રેમ વહેતો થયેલો છે.

૧૩.

જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ તો
પ્રભુ આપણામાં રહે છે
અને તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયેલો છે.

૧૪.

આપણે સત્યને આધીન રહીને
બંધુઓ ઉપર નિષ્કપટ પ્રીતિને અર્થે
આપણાં મન પવિત્ર કર્યા છે.

૧૫.

પાટે આપણે ખરા અંત:કરણથી
એકબીજા પર આગ્રહથી પ્રીતિ કરીએ,
કેમકે પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે.

૧૬.

આપણે કૃત્યમાં તથા સત્યમાં પ્રીતિ કરીએ.

૧૭.

જેની પાસે આ જગતનું દ્રવ્ય હોય,
અને પોતાના ભાઈને ગરજ છે એવું જોયાં છતાં
તેના પર તે દયા ન કરે
તો તેનામાં પરમેશ્વરની પ્રીતિ શી રીતે રહી શકે ?

૧૮.

પ્રેમ પોતાના પડોશીઓનું કંઈ ભૂંડું કરતો નથી
તેથી પ્રેમ નિયમોનું સંપૂર્ણ પાલન છે.

૧૯.

પ્રભુ ઈસુ બોલ્યા :

પ્રેમ શંપૂર્ણતાનું બંધન છે, તે ધારણ કરો.
જે કંઈ કરો તે પ્રેમથી કરો.

૨૦.

જેવો પોતા પર તેવો અન્યો પર પ્રેમ કરો.
એકબીજા પર ગાઢ પ્રેમ કરો.

૨૧.

પ્રેમથી એક બીજાની સેવા કરો.
તમે એકબીજાના ભાર ઊંચકો.

૨૨.

શુદ્ધ હૃદયથી, સારા અંત:કરણથી
તથા ઢોંગ વગરની શ્રદ્ધાથી પ્રીતિ રાખો.

૨૩.

તમારા વેરીઓ ઉપર પ્રીતિ રાખો અને તેઓનું ભલું કરો.
એકબીજાનું તથા સર્વનું કલ્યાણ કરવાને યત્ન કરો.

૨૪.

પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે,
પ્રેમ અદેખાઈ કરતો નથી, આપવડાઈ કરતો નથી,
ફુલાઈ જતો નથી, અયોગ્ય રીતે વર્તતો નથી,

૨૫.

પોતાનું જ હિત જોતો નથી, ખિજવાતો નથી,
અપકારને લેખવતો નથી,
પ્રેમ અન્યાયમાં હરખાતો નથી પણ સન્યમાં હરખાય છે.

૨૬.

સઘળું ખમે છે, સઘળું સહન કરે છે,
સઘળું ખરું માને છે, સઘળાંની આશા રાખે છે.
પ્રેમ કદી ખૂટતો નથી.

૨૭.

આ સાંભળી ભક્તે કહ્યું :

એકમેક પરના તથા સર્વ મનુષ્યો પરના
અમારા પ્રેમમાં પ્રભુ પુષ્કળ વૃદ્ધિ કરો.

૨૮.

જેઓ પ્રભુ પર પ્રેમ કરે છે તેઓને
એકંદરે સઘળું હિતકારક તિવડે છે.

૨૯.

પ્રભુએ કહ્યું :

પ્રેમમાં ભય નથી,
જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી,
પૂર્ણ પ્રેમ ભયને દૂર કરે છે.

૩૦.

પ્રફુલ્લિત થઈને ભક્તે કહ્યું :

પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડી શકશે ?
વિપત્તિ, વેદના, સતામણી, દુકાળ, જોખમ કે તરવાર ?

૩૧.

પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમથી આપણને
કંઈ જ જુદા પાડી શકશે નહિ.
પ્રભુની પ્રીતિમાં પોતાને સ્થિર રાખીએ.

૩૨.

પ્રભુએ કહ્યું :

તમારાં પૂળ પ્રીતિમાં ઘાલીને અને તેમાં પાયો નાખીને
મારી પ્રીતિની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ
કેટલી છે તે
અને મારી પ્રીતિ જે માણસની સમજશક્તિની બહાર છે
તે તમે સમજો.

૩૩.

-

શ્રી હૃદયગીતા નામે આઘ્યાત્મ વિદ્યામાં
પ્રેમયોગ નામનો ષષ્ઠ આઘ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

No comments:

Post a Comment