Saturday, March 25, 2006

Hriday Gita (5), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

આત્મા પરમાત્માયોગ
નામ
પંચમ અધ્યાય


પ્રભુ ઈસુ બોલ્યા :

હું તમારી પાસે સદા રહેવા માટે આવીશ.

૧.

હું હૃદયના દ્વાર આગળ ઊભો રહીને ઠોકું છું,
જો કોઈ મારી વાણી સાંભળીને દ્વાર ઉઘાડશે
તો હું તેની પાસે માંહે આવીશ.

૨.

જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તો
તે મારું વચન પાળશે,
અને હું તેની પાસે આવીને તેની સાથે વસીશ.

૩.

જે મારી આજ્ઞા માળે છે
તેનામાં હું વસું છું અને તે મારામાં વસે છે.
તમે જાણશો કે તમે મારામાં છો
અને હું તમારામાં છું.

૪.

પરમેશ્વર પ્રેમ છે,
માટે જે પ્રેમમાં રહે છે તે પરમેશ્વરમાં વસે છે
અને પરમેશ્વર તેનામાં વસે છે.

૫.

ભક્ત બોલ્યા :

વિશ્વાસથી અમારા હૃદયમાં પ્રભુ વસે છે.

૬.

પ્રભુ ઈસુ બોલ્યા :

તમે મારામાં રહો અને તમારામાં રહીશ.

૭.

જો કોઈ મારામાં રહેતો નથી તો
ડાળીની પેઠે તેને બહાર ફેંકી દેવામાં આવે છે
અને તે સૂકાઈ જાય છે.

૮.

ભક્તે કહ્યું :

જે કોઈ ઈશ્વરનું વચન પાળે છે
તેનામાં ઈશ્વર પરનો પ્રેમ ખરેખરો સંપૂર્ણ થયો છે.
એથી આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરમાં છીએ.

૯.

હું તેનામાં રહું છું, એમ જે કહે છે,
તેણે જેમ પ્રભુ ચાલ્યા તેમ જ ચાલવું જોઈએ.

૧૦.

પ્રભુ ઈસુ બોલ્યા :

જેને હું છું તેને જીવન છે,
જેને હું નથી તેને જીવન નથી.
હું જીવું છું માટે તમે પણ જીવશો.

૧૧.

ભક્તે કહ્યું :

દેહમાં જે મારું જીવન છે
તે પ્રભુ પરના વિશ્વાસથી જ છે.

૧૨.

પ્રભુ વધતા જાય અને હું ઘટતો જાઉં
એ આવશ્યક છે.

૧૩.

હું જીવું છું, તો પણ હવેથી હું નહિ
પણ મારામાં પ્રભુ જીવે છે.

૧૪.

મારે જીવવું તે ખ્રિસ્ત છે ;
ખ્રિસ્ત પ્રભુ મારું જીવન છે.

૧૫.

પ્રભુને એ પસંદ પડ્યું કે
તે પોતાને મારામાં પ્રગટ કરે.

૧૬.

પ્રભુની સાથે જે જોડાય છે
તે તેમની સાથે એક આત્મા થાય છે.

૧૭.

હું પણ ખ્રિસ્ત પ્રભુને પ્રાપ્ત કરું
અને તેમની સાથે એકરૂપ થાઉં.

૧૮.

આપણે સૌ ઉઘાડે મુખે,
જાણે કે દર્પણમાં પ્રભુનો મહિમા નિહાળીને,
પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતાં,
પ્રભુના સ્વરૂપમાં જ રૂપાંતર પામીએ છીએ.

૧૯.

પ્રભુએ કહ્યું :

મારા અંતરનિવાસનાં ફળ આ છે :
પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું,
ભલાઈ, વિશ્વાસપણું, નમ્રતા તથા સંયમ.

૨૦.

ભક્તે કહ્યું :

આપણે પ્રભુતું મંદિર છીએ,
અને પ્રભુનો આત્મા આપણામાં વસે છે.

૨૧.

પ્રભુનું મંદિર પવિત્ર છે અને
તે મંદિર આપણે છીએ.

૨૨.

આપણામાં જે પ્રભુનો આત્મા છે
તેનું મંદિર આપણું શરીર છે,
તો શરીર વડે પ્રભુને મહિમા આપીએ.

૨૩.

શરીર પ્રભુને સારુ છે અને પ્રભુ શરીરને સારુ.
પ્રભુ શરીરનો ત્રાતા છે.

૨૪.

પ્રભુનો આત્મા આપણી નિર્બળતામાં આપણને
સહાય આપે છે.

૨૫.

પ્રભુ ઈસુ બોલ્યા :

ચિતા ન કરો કે અમે શી રીતે અથવા શું બોલીએ, કેમકે
શું બોલવું તે તે જ ઘડીએ તમને આપવામાં આવશે.

૨૬.

કેમકે જે બોલે છે તે તમે નહિ,
પણ તમારામાં મારો આત્મા બોલે છે.

૨૭.

સત્યનો આત્મા તમને સર્વ સત્યમાં દોરી જશે.

૨૮.

-

શ્રી હૃદયગીતા નામે આધ્યાત્મ વિદ્યામાં આત્મા
પરમાત્માથોગ નામનો પંચમ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

No comments:

Post a Comment