Sunday, April 02, 2006

Hriday Gita (21), by Dhanjibhai Fakirbhai

Previous < Chapter > Next

દૈવાસુરસંપદ્

નામ

એકવિંશ અધ્યાય


પ્રભુ બોલ્યા :

સંસાર પર અથવા સંસારમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો.
સંસાર પર જો કોઈ પ્રેમ રાખે છે તો
મારા પર તેને પ્રેમ નથી.

૧.

સંસારમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના,
આંખોની લાલસા અને જીવનનો અહંકાર,
તે મારા તરફથી નથી પણ સંસાર તરફથી છે.

૨.

સંસાર તથા તેની લાલસા જતી રહે છે ;
પણ જે મારી ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે.

૩.

એક ભક્તે કહ્યું :

સંસારની મૈત્રી પરમેશ્વર પ્રત્યે વેર છે.
જે કોઈ સંસારનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે
તે પરમેશ્વરનો વેરી થાય છે.

૪.

પ્રભુ ઈસુ બોલ્યા :

સંસાર તમારો દ્વેષ કરે તો તેથી અયરત ન થાઓ.
તમે સંસારના નથી, પણ મેં તમને સંસારમાંથી પસંદ
કર્યા છે,
તે માટે સંસાર તમારા પર દ્વેષ રાખે છે.

૫.

તમે આ જગતમાં છો, પણ આ સંસારનાં નથી.
જગતમાંથી તમને કાઢી લેવામાં આવે એવું હું
ઇચ્છતો નથી;
પણ તમે પાપથી બચો એમ ઇચ્છું છું.

૬.

સંસારમાં તમને સંકટ છે,
પણ હિંમત રાખો, સંસારને મેં જીત્યો છે.

૭.

સંસારમાં જે છે તેના કરતાં
તમારામાં જે છે તે મોટો છે.

૮.

એક શ્રદ્ધાવાન બોલ્યા :

જે કોઈ ઈશ્વરથી જન્મેલું છે તે સંસારને જીતે છે.
જે જયે જગતને જીત્યું છે તે આપણો નિશ્વાસ છે.

૯.

મારા સંબંધે સંસાર શૂળીએ ( વધસ્તંભે ) ચડાવેલો છે
અને સંસાર સંબંધે હું.

૧૦.

પ્રભુ બોલ્યા :

દૈહિક વિષયો આત્માની સામે લડે છે,
તેઓથી તમે પરદેશી તા પ્રવાસી જેવા દૂર રહો.

૧૧.

દેહની દુર્વાસનાને અર્થે ચિંતન ન કરો.
આત્માવડે દેહવાસનાનાં કર્મોને મારી નાખો.

૧૨.

ભૂંડાથી હારી ન જાઓ
પણ સારાથી ભૂંડાનો પરાજય કરો.

૧૩.

જે ભૂંડું છે તેને ધિક્કારો ;
જે સારું છે તેને વળગી રહો.

૧૪.

દુષ્ટાત્માનાં કામનો નાશ કરવાને
હું પ્રગટ થયો છું.

૧૫.

જે ઈશ્વરથી જનમ્યો છે તેને દુષ્ટ સ્પર્શ કરતો નથી.
તમે બળવાન છો અને તમે દુષ્ટને જીત્યો છે.

૧૬.

શ્રદ્ધાવાને કહ્યું :

પ્રભુ વિશ્વસનીય છે, અને અમને દઢ કરશે
અને દુષ્ટથી અમારું રક્ષણ કરશે.

૧૭.

પ્રભુ ભક્તોને પ્રલોભનમાંથી છોડાવવાનું જાણે છે.

૧૮.

પ્રભુ સર્વ દુષ્ટ હુમલાથી અમારો બચાવ કરશે,
અને પોતાના સ્વર્ગીય રાજ્યને સારુ
અમને સહીસલામત રાખશે.

૧૯.

પ્રભુએ કહ્યું :

તમારું યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ
અધિપતિઓની સામે, અધિકારીઓની સામે,
આ અંધકારરૂપી સંસારના સત્તાધારીઓની સામે,
દુષ્ટતાના આધ્યાત્મિક લશ્કરોની સામે છે.

૨૦.

તેથી તમે સ વી હથિયારો સજી લો કે
જે સર્વ શક્ય તે કરીને તેઓની સામે ટકી શકો.

૨૧.

સત્યથી કમર બાંધો,
નીતિપરાયણતાનું બખ્તર પહેરો,
શ્રદ્ધાની ઢાલ ગ્રહો,
અને ઈશ્વરી વચનની આધ્યાત્મિક તરવાર લો.

૨૨.

જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર
મારી સાથે બેસાડીશ.

૨૩.

ભક્તે કહ્યું :

પરમેશ્વર તેજરૂપ છે અને તેમનામાં કંઈ તમસ્ નથી.
તે તેજ જગતમાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે.

૨૪.

જે ભૂંડું કરે છે તે તેજનો દ્વેષ કરે છે અને
તે તેજ પાસે આવતો નથી, પણ
જે સત્ય કરે છે તેજ પાસે આવે છે.

૨૫.

પ્રભુએ કહ્યું :

જ્યાં સુધી તેજ તમારી પાસે છે ત્યાં સુધી ચાલો,
રખેને તમારા પર તમસ્ આવી પડે.

૨૬.

તેજસ્ની તમસ્ જોડે શી સંગત હોય ?
સર્વ નિંદાપાત્ર તે તેજ વડે પ્રગટ થાય છે.

૨૭.

તમસ્ના નિષ્ફળ કામોના સંગતી ન થાઓ
પણ તેઓને વખોડો.
તેજનું ફળ સર્વ પ્રકારની ભલાઈ, ન્યાયપરાયણતા તથા
સત્ય છે.

૨૮.

તમે જગતની જ્યોતિ છો.
તમે તમારું તેજ લોકો આગળ એવું પ્રકાશવા દો કે
તેઓ તમારાં રૂડાં કામ જોઇને મારી સ્તુતિ કરે

૨૯.

ભક્તે કહ્યું :

જે પ્રભુએ તમસ માંથી આપણને
પોતાના આશ્ચર્યકારક તેજમાં આમંત્ર્યા છે
તે પ્રભુના સદગુણો આપણે પ્રગટ કરીએ.

૩૦.

પ્રભુએ કહ્યું :

મેં મૃત્યુને નિર્મૂળ કર્યું છે
અને જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે.

૩૧.

શ્રદ્ધાવાને કહ્યું :

જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મૃત્યુ છે ;
મૃત્યુનો ડંખ પાપ છે ;
પણ આપણા પ્રભુદ્વારા આપણને વિજય મળે છે.

૩૨.

અરે મૃત્યુ, તારો ડંખ ક્યાં ?
અરે મરણ, તારો વિજય ક્યાં ?

૩૩.

-

શ્રી હૃદયગીતા નામે, અધ્યાત્મ વિદ્યામાં
દૈવાસુરસંપદ્ નામનો એકવિંશ અધ્યાય સમાપ્ત.
(keyboarding by Marko Malyj, 2003)

Previous < Chapter > Next

No comments:

Post a Comment